


કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસનો રિવર ફ્રન્ટ ચેકડેમ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આજે રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે અહીં પાણીની મોજ માણવા ઉમટી પડ્યા હતા. પરંતુ, આ ખુશીના માહોલ વચ્ચે સુરક્ષાને લઈને એક અત્યંત ચિંતાજનક અને વિરોધાભાષી ચિત્ર પણ સામે આવ્યું છે.
રજાના દિવસે લોકો રોજબરોજની ભાગદોડમાંથી મુક્તિ મેળવીને અહીં પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવતા જોવા મળ્યા હતા. વહેતા પાણીમાં ન્હાવાનો અને સેલ્ફી લેવાનો આનંદ લોકો માણી રહ્યા છે, જે તહેવાર કે વીકએન્ડના માહોલને જીવંત બનાવે છે.
આ સુંદર ચિત્રની પાછળ એક ભયાનક વાસ્તવિકતા પણ છુપાયેલી છે. પ્રવાસીઓ, ખાસ કરીને નાના ભૂલકાઓ અને યુવાનો, કોઈપણ પ્રકારના સેફ્ટી જેકેટ કે સુરક્ષાના સાધનો વગર ચેકડેમની ઊંચી દીવાલો પરથી સીધા પાણીમાં જોખમી ભૂસકા લગાવી રહ્યા છે. પાણીનો પ્રવાહ અને ઊંડાઈ જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવા છતાં લોકો જીવના જોખમે મસ્તી કરી રહ્યા છે.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે અહીં કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં:
પ્રશાસને લોકોને ચેતવણી આપતા અથવા અકસ્માત ટાળવા માટેના કોઈપણ બોર્ડ મારવાની તસ્દી પણ લીધી નથી.
કોઈ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક બચાવ કામગીરી માટે કોઈ લાઈફગાર્ડ કે સુરક્ષાકર્મી તૈનાત જોવા મળ્યા નથીવહીવટી તંત્રની આ આળસ અને લોકોની લાપરવાહી કોઈ મોટા અકસ્માતને જાહેર આમંત્રણ આપી રહી છે. પ્રશાસન કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે કે પછી વહેલી તકે જાગીને અહીં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવશે? સમય રહેતા જાગવું જરૂરી છે.


