પ્રધાનમંત્રીના જનસેવાના ૧૨ વર્ષ: સેલવાસમાં કાઉન્સિલર રજની શેટ્ટીએ ફ્રીડમ ફાઈટર નિર્મલાબેન પંડ્યા સહિતના વરિષ્ઠોની મુલાકાત લીધી
સેલવાસ:માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેલવાસમાં વિવિધ લોકઉપયોગી અને સામાજિક કાર્યક્રમોની વણઝાર શરૂ થઈ છે. આ વિશેષ ઉજવણીના ભાગરૂપે સેલવાસ નગરપાલિકાના સક્રિય કાઉન્સિલર શ્રીમતી રજની શેટ્ટીએ વિસ્તારના વરિષ્ઠ નાગરિકોની રૂબરૂ મુલાકાત લઈ તેમની સાથે લાગણીસભર સંવાદ સાધ્યો હતો.

અભિયાન અંતર્ગત કાઉન્સિલર રજની શેટ્ટીએ દાદરા અને નગર હવેલીના જાણીતા ફ્રીડમ ફાઈટર (સ્વાતંત્ર્ય સેનાની) નિર્મલાબેન ભીખુભાઈ પંડ્યાના ઝંડાચોક સ્થિત નિવાસ્થાને જઈને તેમની વિશેષ મુલાકાત લીધી હતી. સ્વાસ્થ્યની પૃચ્છા કરી દીર્ઘાયુના આશીર્વાદ લીધા મુલાકાત દરમિયાન શ્રીમતી રજની શેટ્ટીએ વરિષ્ઠ સ્વાતંત્ર્ય સેનાની નિર્મલાબેનના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય અંગે વિગતો મેળવી હતી. દેશ અને પ્રદેશના વિકાસમાં વરિષ્ઠોના યોગદાનને યાદ કરતા તેમણે નિર્મલાબેનને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના નીરોગી, દીર્ઘાયુ અને મંગલમય જીવન માટેની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ફ્રીડમ ફાઈટર નિર્મલાબેને પણ કાઉન્સિલરને આશીર્વાદ આપી રાષ્ટ્રસેવાના કાર્યોમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી.

વરિષ્ઠોનો અનુભવ આપણી મૂડી છે: રજની શેટ્ટી આ મુલાકાત અંગે વાત કરતા કાઉન્સિલર શ્રીમતી રજની શેટ્ટીએ જણાવ્યું હતું કે, “માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે જનસેવાના ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે, જે દેશના દરેક નાગરિક માટે ગૌરવની ક્ષણ છે. આપણા વરિષ્ઠ નાગરિકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ આપણી સાચી મૂડી છે. તેમના આશીર્વાદ મેળવવા અને તેમની સુખાકારીની ચિંતા કરવી એ આપણી પ્રાથમિક ફરજ છે.”ઝંડાચોક વિસ્તારમાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને વોર્ડના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. વરિષ્ઠ નાગરિકો સાથેના આ સંવાદ કાર્યક્રમને સ્થાનિક લોકોએ ખુબ જ બિરદાવ્યો હતો.


