ખુરશી મૂકવા જેવા નજીવી બાબતના ઝઘડામાં આરોપી મોટા ભાઈ સદુ ફરલેએ પિતાની નજર સામે જ નાના ભાઈ નસરુ ફરલેને મોતને ઘાટ ઉતાર્યો હતો
સેસન્સ જજ વિભા પી. ઇંગ્લેએ આરોપી સદુ નવશે ફરલેને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી આજીવન કારાવાસ અને ₹૨૫,૦૦૦ નો દંડ ફટકાર્યો
સરકારી વકીલ નિપૂર્ણા રાઠોડની ધારદાર દલીલો અને મજબૂત પુરાવાઓ કોર્ટે ગ્રાહ્ય રાખ્યા
સેલવાસ
દાદરા અને નગર હવેલીના ખાનવેલ પોલીસ સ્ટેશન વિસ્તારના ડોલારા (ફણસપાડા) ગામમાં વર્ષ ૨૦૨૨માં બનેલી ચકચારી અને હૃદયદ્રાવક ભ્રાતૃહત્યાના કેસ (Sessions Case No. 18/2023) માં સેલવાસની નામદાર સેસન્સ કોર્ટે ઐતિહાસિક અને આકરો ચુકાદો આપ્યો છે. પ્લાસ્ટિકની ખુરશીઓ રસ્તામાં મૂકવા જેવી તદ્દન નજીવી બાબતે થયેલા ઝઘડામાં પોતાના જ સગા નાના ભાઈ મરનાર નસરુ નવશે ફરલે પર કુહાડી વડે ઘાતકી હુમલો કરી સ્થળ પર જ મોતને ઘાટ ઉતારનારા પાપી નરાધમ મોટા ભાઈ આરોપી સદુ નવશે ફરલેને કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની આકરી સજા ફટકારી છે.
ચુકાદો આપતા સેસન્સ જજ વિભા પી. ઇંગ્લેનો આદેશ
આ કેસની અંતિમ સુનાવણી પૂર્ણ થતાં સેલવાસના નામદાર સેસન્સ જજ વિભા પી. ઇંગ્લે દ્વારા ખુલ્લી અદાલતમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. નામદાર જજે આરોપી સદુ નવશે ફરલેને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૩૦૨ (હત્યા) હેઠળના ગુનામાં નીચે મુજબની કડક સજા ફટકારી છે:
૧. આરોપી સદુ નવશે ફરલેને આજીવન સખત કેદ (Rigorous Imprisonment for Life) ની સજા ભોગવવાનો આદેશ કર્યો છે.
૨. આ સાથે આરોપીને ₹૨૫,૦૦૦/- (પચ્ચીસ હજાર રૂપિયા) નો આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે, અને જો આરોપી આ દંડ ન ભરે તો તેણે વધુ ૩ મહિનાની સાદી કેદની સજા ભોગવવી પડશે.
૩. નામદાર જજ વિભા પી. ઇંગ્લેએ ચુકાદામાં એવી પણ ભલામણ કરી છે કે, મરનાર નસરુ ફરલેના વારસદાર અને પિતા નવશે સોમા ફરલે કે જેમને આ ગુનાને કારણે અપાર કૌટુંબિક નુકસાન વેઠવું પડ્યું છે, તેમને Cr.P.C. ની કલમ ૩૫૭(A) હેઠળ યોગ્ય વળતર ચૂકવવા બાબતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (DLSA), સિલ્વાસા યોગ્ય કાર્યવાહી કરે.
ઘટનાની વિગત અને સરકારી વકીલ નિપૂર્ણા રાઠોડની સફળ દલીલો
આ ચકચારી કેસમાં સરકાર પક્ષ વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (સરકારી વકીલ) નિપૂર્ણા રાઠોડ હાજર રહ્યા હતા. તેમણે અદાલત સમક્ષ દલીલ કરી હતી કે આ ગુનો અત્યંત ગંભીર અને ક્રૂર પ્રકૃતિનો છે, જેમાં આરોપીએ પિતા અને પરિવારના અન્ય સભ્યોની નજર સામે જ કૌટુંબિક સંબંધો લોહીથી ખરડી નાખ્યા છે.
ઘટનાની ટૂંકી વિગત એવી છે કે તારીખ ૨૪/૧૨/૨૦૨૨ ના રોજ રાત્રે આશરે સાડા સાત વાગ્યાની આસપાસ ફરિયાદી નવશે સોમા ફરલે પોતાના પરિવાર સાથે ઘરના આંગણામાં તાપણું કરી રહ્યા હતા. તે દરમિયાન મહેમાન આવવાના હોવાથી તેમના નાના દીકરા મરનાર નસરુ ફરલેએ આંગણામાં ત્રણ પ્લાસ્ટિકની ખુરશીઓ મૂકી હતી. આ દરમિયાન આરોપી સદુ ફરલે દારૂના નશામાં ધૂત થઈ હાથમાં કુહાડી (કુરાડો) લઈને આવ્યો હતો અને રસ્તામાં ખુરશી કેમ મૂકી છે તેમ કહી કુહાડી મારી ખુરશી તોડી નાખી હતી. જ્યારે મરનાર નસરુએ ખુરશી તોડવાનો વિરોધ કર્યો, ત્યારે આરોપી સદુએ ઉશ્કેરાઈને જૂની અદાવતનો રાગ આલાપી “આજે તને મારી નાખ્યા વગર છોડવાનો નથી” તેમ કહી કુહાડીનો જોરદાર ઘા નસરુની બોચી અને ગરદનના ભાગે ઝીંકી દીધો હતો. ગંભીર ઈજાઓના કારણે નસરુનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં કરુણ મોત નીપજ્યું હતું.
સરકારી વકીલ નિપૂર્ણા રાઠોડ દ્વારા રજૂ કરાયેલા ચક્ષુદર્શી સાક્ષીઓ (Eye-witnesses) ના નિવેદનો, તબીબી પુરાવા અને ખાનવેલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે. બી. પટેલ દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટના મજબૂત પુરાવાઓને જજ વિભા પી. ઇંગ્લે એ સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખ્યા હતા. નજીવી બાબતના ઝઘડામાં સગા ભાઈની હત્યા કરનાર નરાધમને કોઈ પણ પ્રકારની નરમ વલણ દાખવ્યા વિના જેલના સળિયા પાછળ ધકેલી દેતો સેસન્સ કોર્ટનો આ ચુકાદો સમગ્ર પંથકમાં કાયદાના શાસનની મજબૂતી દર્શાવે છે.


